શ્રી કૃષ્ણલીલા રહસ્ય

👉 " આજની સપ્તાહોનું જમા પાસું છે જ. પ્રત્યેક શુભ કર્મ તેની  સારી અસર જન્માવતું જ હોય છે. પણ ધીરે ધીરે તેનું ઉધાર પાસું મોટું થવા લાગ્યું છે તેની ચિંતા થાય છે. પ્રથમ આ સપ્તાહો ભક્તિભાવ તથા સાત્તવિક્તાના પ્રચાર માટે થવી ઘટે. દુર્ભાગ્યવશ હવે તેનું ધ્યેય આર્થિક લાભનું વધી રહ્યું છે. 

કોઈ સ્થળે કોઈ ધાર્મિક આયોજન થાય અને ભક્તવર્ગ શ્રદ્ધાભક્તિથી  કંઈ ને કંઈ ન્યોછાવર કરે તે યોગ્ય જ કહેવાય. તેવી આવકથી સહજ રીતે કોઈ શુભ હેતુ પૂરો થતો હોય તો તે આવકારવા જેવી વસ્તુ કહેવાય. 

પણ હવે સહજ શબ્દ નથી રહ્યો. સપ્તાહના ચારે ખૂણે અર્થલોલુપતાના ભૂખ્યા ડોળા તગતગતા જોઇ શકાય છે. પૈસો વધારવા માટે 108 પોથીઓની રચના કરાઇ, કેટલીક જગ્યાએ 1008 તો કોઈ સ્થળે તેથી પણ વધુ પોથીઓની વ્યવસ્થા થતી જોઈ શકાય છે. પ્રત્યેક પોથી ઉપર બેસનાર પુરોહિત પોથીનો વિશેષજ્ઞ હોય તેવું નથી હોતું. મોટા ભાગે તો પોથી ઉઘાડી રાખીને ( પાઠ કર્યા વિના ) માત્ર દક્ષિણા તરફ ધ્યાન આપનારો વર્ગ ઘણો મોટો હોય છે. 

સરકારી નોકરીઓની માફક આવી જગ્યાઓ ભરવામાં પણ વહાલાં-દવલાંનો, કાકા-મામાનો તથા કોઈ કોઈ સ્થળે કમિશનનો પણ પ્રભાવ જોવા મળે છે. 

વ્યાપારમાં ધર્મ પેસવો જ જોઈએ પણ અહીં તો ધર્મની રગેરગમાં વ્યાપાર પેસાડી દેવાયો છે. મંડપો, લાઉડસ્પીકરો  વગેરે બધું જ એક નિશ્ચિત સાંકળ સાથે સંકળાયેલું જોવા મળે તો નવાઈ ન પામશો. જે કાંઈ સરકારી નોકરીઓ માટે થઇ રહ્યું છે તે બધું અહીં પણ જોવા મળે તો દુ:ખી ના થશો, કારણ કે ધર્મમાં વેપાર પેસી ગયો છે. 

આયોજકો તથા વક્તાનું મૂળ લક્ષ્ય લોકો પાસેથી પૈસા ખેંચવાનું હોય છે. આ માટે ધૂમ ખર્ચા કરીને  જાહેરખબરો, પેમ્ફલેટો, પડદાઓ વગેરેથી જનમાનસને પકડી લેવાય છે. મંડપોમાં જે શ્રોતાઓ માટે બેસવાની વ્યવસ્થા કરાય છે તે દેવદરબારને લજ્જા આવે એવી કરાય છે. 

સિનેમાની માફક અહીં ક્લાસ પાડવામાં આવે છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા ચતુર્થ વર્ગ જેવા વર્ગ જોઇ શકાય છે. ગાદીતકીયાવાળા પ્રથમ વર્ગમાં મોટા પેટવાળા શ્રીમંતોને ચાલુ કથાએ આળોટતા કે ઘોરતા જોઇ શકાય છે. 

વક્તાને તેમની આવી અધાર્મિકતા અથવા અસંસ્કારિતા હસતા મુખે નભાવી લેવી પડે છે. કારણ કે એ દુઝણી ભેંસો છે. ભેંસ આગળ ભાગવત સંભળાવવાની પ્રક્રિયાને લોકો નિંદિત પ્રક્રિયા માનતા હશે, પણ એ દુઝણી ભેંસો આગળ ભાગવત સંભળાવવું એ હવે ગૌરવનું પ્રમાણપત્ર થવા લાગ્યું છે. "

                    - સ્વામિ સચ્ચિદાનંદજી. 
             ( શ્રી કૃષ્ણલીલા રહસ્ય- 1985 )

ટિપ્પણીઓ