એકેશ્વરવાદ

👉 " તમે સમીકરણ સાથે એકેશ્વરવાદી બનો અર્થાત્ ઇશ્વર એક જ છે, પણ સમીકરણ એટલે કે દેવ-દેવીઓ ,અવતારો વગેરેનો નિષેધ કર્યાં વિના તેમનો એક જ ઇશ્વરમાં સમાવેશ કરી લેવો તે. જેથી કોઈનું પણ ખંડન કર્યાં વિના બધામાં એક ઇશ્વરના દર્શન થઈ શકે. 

*  પોત-પોતાની શ્રદ્ધા-ભાવના પ્રમાણે વ્યક્તિ સાકાર અથવા નિરાકાર પ્રકારની ઉપાસના કરી શકે છે. ક્ષમતાભેદથી બન્ને માર્ગો સ્વીકાર્ય છે. 

*  બને ત્યાં સુધી કોઈ પુરૂષે કે કોઇ સ્ત્રીએ જીવનભર એકાકી રહેવું નહિ. પોતપોતાને યોગ્ય પાત્ર મેળવીને લગ્ન-પુનર્લગ્ન કરી લેવા. 

*  વિશ્વવાત્સલ્યભાવ રાખો. સૌની પ્રત્યે મૈત્રીભાવ વધારો.

*  વ્યક્તિપૂજા અને વંશપૂજાનો ત્યાગ કરી ગુણ પૂજા કરવી. ગુણો વિનાની વ્યક્તિ અને ગુણો વિનાનો વંશ પૂજવાથી પ્રજાનું પતન થાય છે. દુર્ગુણીઓ પૂજાય છે અને ગુણવાનોને ઠોકરો લાગે છે. માટે ગુણપૂજા કરવી.

*  જન્મથી કોઈ ઊંચ નથી કે નીચ નથી. જન્મજાત ઊંચ-નીચ બનાવનારી ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાનો ત્યાગ કરવો. બધાં પ્રભુનાં બાળકો છે. એટલે કોઈની સાથે જન્મ માત્રથી ઊંચ-નીચનો ભેદ ના કરવો. સૌ પોતપોતાની યોગ્યતા પ્રમાણે શૈક્ષણિક, આર્થિક વગેરે લાભો પ્રાપ્ત કરે તે  યોગ્ય જ છે. સૌને સમાન તકો મળવી જરૂરી છે. 

*   પુત્ર અથવા પુત્રીના જન્મને સરખું મહત્વ આપવું. કારણકે બન્ને પૈડાંની સરખી જરૂર છે. એક પૈડે રથ ના ચાલે.

*   છોકરા-છોકરીઓએ લગ્ન જેવા મહત્વના નિર્ણયોમાં માતા-પિતાના અનુભવોનો લાભ લેવો. અર્થાત્ તેમની સલાહ લેવી, સલાહ પ્રમાણે વર્તવું. નાછૂટકે જ સલાહની અવહેલના કરવી.

*   બને ત્યાં સુધી કોઈની સાથે યુદ્ધ ના કરવું. હજાર પ્રયત્નો કરીને પણ યુદ્ધને ટાળવું પણ જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ નીવડે ત્યારે છેવટના ઉપાય તરીકે પૂરી શક્તિથી યુદ્ધ કરી લેવું. 

*   અનંત સુખ કે શાશ્વત સુખ હોતું જ નથી. સુખ તો હંમેશા ક્ષણિક જ હોય છે. ક્ષણોનો સમૂહ મળે ત્યારે સુખ લાંબું બને છે, જેમ કડીઓ જોડાવાથી સાંકળ બને છે. 

*   નાના બાળકોને ગૃહત્યાગની દીક્ષા આપવી નહી કે અપાવવી નહિ. આ અપરાધ છે. "

  •                     - સ્વામિ સચ્ચિદાનંદજી.

ટિપ્પણીઓ